પેન્સિલવેનિયામાં વ્રજમંદિરમાં ભવ્ય કાર્નિવલનું આયોજન

પેન્સિલવેનિયામાં વ્રજમંદિરમાં ભવ્ય કાર્નિવલનું આયોજન

પેન્સિલવેનિયામાં વ્રજમંદિરમાં ભવ્ય કાર્નિવલનું આયોજન

Blog Article

આગામી 4થી 6 જુલાઇ દરમિયાન વ્રજ મંદિરમાં એક ભવ્ય કાર્નિવલ યોજાઇ રહ્યો છે. આ કાર્નિવલમાં તમામ વયના લોકો માટે ફૂડ, ફન, ગેમ્સ અને કાર્નિવલ એન્ટરટેઇનમેન્ટનું આયોજન થયું છે. આ કાર્નિવલ બપોરના 1થી રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. તા. 4 જુલાઇના રોજ મહા આરતીનું આયોજન થયું છે.


આ પ્રકારનો કાર્નિવલ આ મંદિરમાં પ્રથમ વખત યોજાઇ રહ્યો છે. તેનો હેતુ અમેરિકામાં અને અન્યત્ર વસતા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો, બિનવૈષ્ણવો તથા બિનગુજરાતીઓ, સ્થાનિક અમેરિકનોને વ્રજ મંદિર તરફ આકર્ષવાનો અને તેનાથી તેમને પરિચિત કરવાનો છે.


આ અંગેની માહિતી આપતાં કાર્નિવલના આયોજકો પૈકીના શ્રી પ્રશાત શાહ અને શ્રી વિજય શાહે ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે, વ્રજ મંદિર (હવેલી) ખાતે 4 જુલાઇના ઇન્ડિપેન્ડન્સ-ડેના દિવસે છેલ્લા 10 વર્ષથી આતશબાજી એટલે કે ફાયર વર્ક્સનો કાર્યક્રમ યોજાય છે. આ કાર્યક્રમ જોવા વૈષ્ણવો ઉપરાંત અન્ય ભારતીયો તથા સ્થાનિક અમેરિકનો પણ આવવા માંડ્યા છે. ધીમે ધીમે તેમની સંખ્યા વધી રહી છે.


શ્રી વિજય શાહે જણાવ્યું હતુંકે, આવા કાર્યક્રમોનાં એક હેતુ સ્થાનિક અમેરિકનો અને અન્યોના મનમાં પુષ્ટિમાર્ગ અને આ મંદિર વિશે કોઇ ગેરસમજ પ્રવર્તતી હોય તો તે દૂર કરીને હવેલી વિશે લોકોમાં જાગૃતિ આણવલાનો છે. તેમણે કહ્યું કે, હવેલીની શરૂઆત થઇ ત્યારે આજુબાજુના કેટલાક સ્થાનિક અમેરિકનોનો તેની સામે વિરોધ હતો. પુષ્ટિમાર્ગ એ કોઇ ભેદી “કલ્ટ” કે “પંથ” હોય એવી તેમને ગેરસમજ હતી. મંદિરમાં 4 જુલાઇએ જે આતશબાજી થાય છે તે જોવા વૈષ્ણવો અને અન્ય ભારતીયો ઉપરાંત ઘણાં સ્થાનિક અમેરિકનો પણ કુતૂહલવશ આવે છે.


શ્રી શાહે કહ્યું કે, અમારો પ્રયાસ આ લોકોના મનમાંથી આ પ્રકારની ગેરસમજો દૂર કરીને પુષ્ટિમાર્ગ વિશે સાચી સભાનતા કેળવવાનો છે. આ કોઇ “કલ્ટ” નથી પણ એક વિશુદ્ધ ધર્મ છે. અમારો હેતુ આવા કાર્યક્રમો દ્વારા મંદિર અને તેની સાંસ્કૃતિક – ધાર્મિક પ્રવૃત્તિઓ વિશે લોકોમાં જાગૃતિ આણીને તેનો પ્રસાર કરવાનો છે. જેથી વૈષ્ણવો અને અન્ય લોકો પણ મંદિરમાં આવે અને અહીંની પ્રવૃત્તિઓમાં ભાગ લેતાં થાય.


શ્રી શાહે જણાવ્યું હતું કે, આ ચાર દિવસના કાર્નિવલમાં 25થી 30 હજાર જેટલા વૈષ્ણવો – અમેરિકા અને કેનેડા વગેરે સ્થળોએથી આવવાની ધારણા છે. તેમણે કહ્યું છે કે, આ કાર્યક્રમમાં બહારથી આવનારા 300થી 400 જેચલા વૈષ્ણવો મંદિર પરિસરમાં જ રહેશે. માટે આજુબાજની હોટલોમાં વ્યવસ્થા કરાશે. કાર્નિવલમાં વિવિધ પ્રકારનાં સ્ટોલ હશે. આજુબાજુના શહેરોમાં વસતા લોકો તો કાર્નિવલમાં ભાગ લઇને  જ દિવસે પરત પણ ફરી શકશે.


આ કાર્નિવલના આયોજકોમાં વ્રજ મંદિરના ચેરમેન સુરેશ પટેલ, વાઇસ ચેરમેન હીરેન પટેલ, પ્રેસિડેન્ટ સમીર પરીખ, વિજય શાહ, પ્રશાંત શાહ તથા પ્રવિણભાઇ દેસાઇ વગેરેનો સમાવેશ થાય છે.સુરતના પૂજયપાદ ગોસ્વામી શ્રી અનિરુદ્ધલાલજી આ પ્રસંગે ઉપસ્થિત રહીને આશીર્વાદ આપશે એવી શકાયતા છે.


વ્રજ ઓફ વેસ્ટર્ન વર્લ્ડ


વ્રજ હિન્દુ મંદિર પરિસર વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે. તેમાં ભગવાન શ્રીનાથજીનો વિગર બિરાજમાન છે. આ ઉપરાંત શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી પણ પ્રતીકાત્મક રીતે બિરાજમાન છે. અહીં શ્રી મહાપ્રભુજીની બેઠક પણ છે. શ્રીનાથદ્વારાના પૂય આચાર્ય શ્રી રાકેશલાલજી (ઇન્દ્રદમનજી) તેના પીઠાધીશ છે. મંદિરના કેમ્પસમાં મંદિર ઉપરાંત ભારતીય સંસ્કાર સંકુલ પણ આવેલાં છે.


વ્રજ મંદિર નૂતન નંદાલય (હવેલી) તરીકે પણ ઓળખાય છે. અહીં દર વર્ષે હજારો વૈષ્ણવો અને અન્ય ભારતીયો દર્શને આવે છે. મંદિરમાં હવેલી પરંપરા અનુસારનાં દર્શનો, કીર્તનો તથા કાર્યક્રમો યોજાય છે. યુવાનો અને બાળકો માટે પણ કેટલાંક વિશેષ કાર્યક્રમો યોજાય છે.


આ વ્રજ મંદિર 1987માં સ્થપાયું એ પૂર્વે અહીં એક યોગ સેન્ટર હતું. કોઇ કારણસર યોગ સેન્ટરની પ્રવૃત્તિ મંદ પડતાં મંદિરના દીર્ઘદૃષ્ટા સ્થાપક ગોવિંદભાઇ ભીખાભાઇ શાહ અને પ્રમોદભાઇ અમીને (કાકા) 1987ના સમયમાં આ વિસ્તાર ખરીદી લીધો. આ કાર્યમાં તેમને અન્ય 25 જેટલાં વૈષ્ણવો – ભાવિકોનો ટેકો મળ્યો, 1988ના નવેમ્બરમાં મંદિરનો પ્રથમ પાટોત્સવ થયો એ સાથે મંદિર ખુલ્લું મુકાયું. મંદિરમાં શરૂઆતમાં તો પ્રતિમાજી જ હતા પણ અમેરિકના વૈષ્ણવો માટે એક હવેલી ઊભી થઇ ગઇ. મંદિની પ્રવૃત્તિઓ ધીમે ધીમે વિકાસ પામતી ગઇ. એક મોટી અને ભવ્ય હવેલી સ્થાપવાનું આયોજન થયું અને 2002માં આ નવું ભવ્ય મંદિર જે નૂતન નંદાલય તરીકે ઓળખાય છે. તેનો પાટોત્સવ યોજાયો. આ પાટોત્સવમાં હજારો વૈષ્ણવોએ ઉમળકાભેર ભાગ લીધો હતો.


નૂતન નંદાલય 284 એકર વિસ્તારમાં પ્રસરેલું છે. તેની આસપાસ ભવ્ય પહાડીઓ, ખીણો અને વનરાજી આવેલી છે. આ હવેલી એક સરોવરના કાંઠે આવેલું છે. આ સરોવરને યમુનાજી નામ આપવામાં આવ્યું છે. આ મંદિર રાજસ્થાનની ભવ્ય વૈષ્ણવ સ્થાપત્યકળાને પ્રતિબિંબિત કરે છે. ત્રણ માળની આ હવેલી 60 ફૂટ ઊંચી છે. તેનો બિલ્ટ-અપ એરીયા 50,000 સ્કવેર ફીટનો છે.


વૈષ્ણવો અને અન્ય શ્રદ્ધાળુઓને વધુ ને વધુ સવલતો મળી રહે એ માટે મંદિરના સત્તાવાળાઓએ છેક 2002થી અનેક પ્રયાસો કર્યા છે. બહારથી આવનારાઓ માટે મંદિર પરિસરની અંદર અદ્યતન સુવિધાઓથી સજ્જ ડોરમિટરી બાંધવામાં આવી છે. સરસ કાફેટેરીયા ઊભું કરવામાં આવ્યું છે અને પાર્કીંગ માટે સરસ સગવડો ઊભી કરવામાં આવી છે. મંદિરના સ્ટાફ માટે તાજેતરમાં જ નવાં ક્વાટર્સ બાંધવામાં આવ્યા છે. હાલ યમુનાજીના મંદિરને રીનોવેટ કરવાનું આયોજન થઇ રહ્યું છે. મંદિર સ્થાનિક બાળકો માટે Easter Egg Hun યોજે છે અને સ્થાનિક લોકોના કલ્યાણ માટેની પ્રવૃત્તિઓમાં ભાગ લે છે તેમજ તેમાં ડોનેશન પણ આપે છે.

Report this page